અવિસ્મરણીય રાજવી
સિદ્ધરાજ જયસિંહ....
ગુજરાતના ઇતિહાસના રાજવીઓમાં સૌથી વધુ યશસ્વી નામ હોય તો તે જયસિંહદેવ સિદ્ધરાજનું છે. નર્મદે જય જય ગરવી ગુજરાતનું જે ઉદ્બોધનગીત લખ્યું તેમાં પણ તેણે બે પંક્તિઓ લખીને સિદ્ધરાજને યાદ કર્યો છે.
એ અણહિલવાડના રંગ !
એ સિદ્ધરાજ જયસંગ !
જયસિંહ વિષે પ્રાકૃત અને સંસ્કૃત
ભાષામાં પણ અનેક પ્રશસ્તિઓ લખાઈ છે. મૂળરાજ સોલંકી અને પછી ભીમદેવે ગુજરાતની
મહત્તા સ્થાપવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. કર્ણદેવ સોલંકીએ પણ ઘણી અસરકારક
પ્રવૃત્તિઓ કરી હતી, પરંતુ ગુજરાતની મહત્તા સિદ્ધ કરવાનું,
ગુજરાતની અસ્મિતાની જ્યોત પ્રગટાવવાનું અને
દેશના સંદર્ભે ગુજરાતને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનું ઇતિહાસ-કર્તવ્ય તો
સિદ્ધરાજે જ઼ બજાવ્યું. ગુજરાતનો
એ રાજાધિરાજ કહેવાયો.
સિદ્ધરાજ ગુજરાતની ગાદી પર બિરાજમાન
મહારાજ કર્ણદેવ સોલંકી અને મીનળદેવીનો પુત્ર હતો. તેના જીવનકાળમાં થઈ ગયેલા
સારસ્વતોએ તેને વિષે ઘણી નોંધો મૂકી છે. તેમાં સૌથી મહત્ત્વની નોંધો
હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં છે. ‘યાશ્રય’ મહાકાવ્ય અને ‘સિદ્ધહેમ‘ નામની કૃતિઓમાં સિદ્ધરાજ વિષે ઉલ્લેખો છે. સિદ્ધરાજના જન્મસ્થળ વિષે
ચોક્કસ માહિતી નથી. સિદ્ધરાજ નાની ઉંમરે ગાદી ઉપર બેઠો હતો, એવી એક માન્યતા છે. પરંતુ હેમચંદ્રાચાર્યે નોંધ્યું છે તેમ : જયસિંહ
મોટો થયો ત્યારે તે સરસ્વતી નદીના કિનારા પર તાલીમ મેળવવા જતો હતો. તે
મલ્લવિદ્યામાં, હાથીઓ ઉપર કાબૂ મેળવવામાં અને
જાતજાતનાં શસ્રો વાપરવામાં નિષ્ણાત બન્યો હતો. એ જ્યારે યુવાન થયો ત્યારે કર્ણદેવે
તેનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. કર્ણદેવનું અવસાન થયું ત્યારે હજી જયસિંહની ઉંમર
નાની હોઈ તે રાજ્યની ધુરા સંભાળવા સક્ષમ ન હતો. તે સમયે મહાઅમાત્યપદે શાન્તુ મહેતા
હતા. સિદ્ધરાજ જયસિંહ વતી શરૂઆતમાં તેમની માતા મીનળદેવીએ રાજય ચલાવ્યું હતું એવી
પણ વાયકા છે. સિદ્ધરાજના જીવન ઉપર માતા મીનળદેવીની ઊંડી અસર હતી. સિદ્ધરાજે માતાની
સ્મૃતિ જાળવવા માટે વિરમગામ અને ધોળકામાં તળાવો બંધાવ્યાં હતાં. સિદ્ધરાજે ધીમે
ધીમે ગુજરાતમાં પોતાનું શાસન વ્યવસ્થિત કર્યું.
ઉત્તર ગુજરાતમાં પોતાની સત્તા સ્થિર
કર્યા પછી સિદ્ધરાજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ દૃષ્ટિ માંડી હતી. ઉત્તર
ગુજરાતમાં સિદ્ધરાજે સ્થિર તંત્ર રચ્યું એને પરિણામે માળવાના રાજ્યકર્તાઓ દબાયા
હતા. આ પછી તેણે સૌરાષ્ટ્ર તરફ દૃષ્ટિ કરી. આ સમય દરમિયાન રા'નવઘણનું અવસાન થયું હતું. અને એનો પુત્ર રા'ખેંગાર ગાદી ઉપર આવ્યો હતો. સિદ્ધરાજે તેને હરાવીને કેદ પકડ્યો. એ વિજય
મેળવ્યો ત્યારે તેણે સિઁહ સંવત્સર નામનો સંવત્સર પ્રવર્તાવ્યો હતો. પચીસ વર્ષના
સતત પુરુષાર્થને અંતે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાત ઉપર સિદ્ધરાજે પોતાની સત્તા દૃઢ
રીતે સ્થાપી દીધી હતી. સિદ્ધરાજના સમયમાં ગૂર્જર ભૂમિ-ગુજરાત તેની સત્તા અને
પ્રતિષ્ઠાની પરાકાષ્ઠાએ પહોંચ્યું. એ સમયનો એ અત્યંત પ્રભાવશાળી રાજવી હતો. એના
સામ્રાજ્યમાં ઉત્તરે રાજસ્થાનનો મોટો વિસ્તાર આવી જતો. પશ્ચિમે એનુ રાજ્ય માળવા
સુધી પહોંચી ગયું હતું. પૂર્વમાં કચ્છ અને સોરાષ્ટ્ર તેના તાબામાં હતાં. દક્ષિણે
થાણા સુધી એનો રાજ્યવિસ્તાર લંબાઈ ગયો હતો.
સિદ્ધરાજ પોતે લેખક ન હતો, પરંતુ વિદ્યા અને કળાને ઉત્તેજન આપવામાં એ ઉજ્જૈનના ભોજ કે
વિક્રમાદિત્ય સાથે હરીફાઈ કરતો. અણહિલવાડને એણે વિદ્યાનું ધામ બનાવી દીધું. ધર્મના
ઉલ્લાસથી જૈન સાધુઓએ જે હસ્તપ્રતો સાચવી રાખી છે તેમાંથી અધૂરું તો યે અણહિલવાડમાં
તે સમયે ચાલી રહેલી બૌદ્ધિક પ્રવૃત્તિઓનું સારું ચિત્ર મળે છે. આ બધી
પ્રવૃત્તિઓમાં બ્રાહ્મણો મોખરે ગતા અને રાજ્યાશ્રયના વિશેષ અધિકારી હતા. ભિલ્લમાલ,
કનોજ અને ઉજ્જૈનની વિદ્યા અને સંસ્કૃતિના વારસા
જેવા અણહિલવાડના સ્થાપત્યનેહેમચન્દ્રે તેની સાંસ્કૃતિક મહત્તા સમું ગણાવ્યું છે : ‘નગરના સર્વ
આશ્રમોમાં છન્નુ સંપ્રદાયો આનંદથી સાથે રહેતા. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ભાસ્કર, સોમ અને
કાર્તિકેય એમ છ દેવોની મહારાજાએ બંધાવેલાં દેવાલયોમાં પૂજા થતી. આમ, અણહિલવાડ
સંપત્તિ ને શૌર્યના ધામ ઉપરાંત ધર્મનું પણ ધામ બન્યું હતું. ત્યાંના નગરજનો
સાહસિકતા, વિદ્યાવ્યાસંગ, આત્મસંયમ, સત્ય, વેદની છ યે શાખાઓમાં પારંગત અને બ્રહ્મોપાસનામાં સર્વથી મોખરે હતા.' સિદ્ધરાજ જેવો
મહાન વિજેતા હતો. ગુજરાતની વિસ્તાર પામતી સીમાઓમાં તેની અઢળક સમૃદ્ધિ, ઉદાત્ત
સ્થાપત્યપ્રેમ વિષે પ્રબંધોમાં ઘણા ઉલ્લેખો છે. સિદ્ધપુરનું રુદ્રમહાલય તેણે ફરીથી
બંધાવ્યું અને અણહિલવાડ પાટણમાં સહસ્રલિંગ તળાવ બંધાવ્યું. પુરાતત્ત્વ ખાતા દ્વારા
થતા ખોદકામમાં જે અવશેષો આજે મળી આવ્યા છે તેના પરથી પણ તે તળાવની ભવ્યતાની ઝાંખી
થાય છે. તળાવ કરતાં વિશેષ તો તેનું બાંધકામ મહત્ત્વનું હતું. આ વિશાળ જળોદ્યાન
સહસ્ર શિવમંદિરોથી વીંટળાયેલું હતું. એની સત્તાના આધાર સમી ચાળીસ કિલ્લાઓની
હારમાળા પણ એણે જ ઊભી કરી હતી. આમાંનું પ્રત્યેક મંદિર સ્થાપત્યના વિલક્ષણ નમૂના
જેવું હતું. આ ઉપરાંત કપડવંજનું તોરણ, ડભોઈ અને ઝીંઝુવાડિયાના કિલ્લાઓ ઉપરાંત
અનેક મંદિરો ને વિદ્યાલયોની સ્થાપના કરી હતી.
સિદ્ધરાજે ઉજ્જૈન ૫૨ વિજય મેળવ્યો તેની
સાથે એ શહેરી સંપત્તિ, કળા અને સાહિત્યને પણ પાટણ સુધી લઈ આવ્યો હતો. એણે તે સમયના મહાન
વિદ્યાચાર્ય હેમચંદ્રસૂરિને પાટણ આવીને વસવા વિનંતી કરી હતી. અનેક વિદ્યાકીય
પ્રવૃત્તિઓને ઉત્તેજન આપી તેણે પાટણને વિદ્યાનું ધામ બનાવી દીધું હતું. સિદ્ધરાજ
માળવાથી પાછો ફર્યો ત્યારે ત્યાંથી એ ભોજરાજાનો ગ્રંથભંડાર પાટણ લઈ આવ્યો હતો.
તેમાંથી તેને ભોજવ્યાકરણ પ્રાપ્ત થયું. હેમચંદ્રાચાર્યને તે બાબતમાં બતાવતાં તેમણે
સિદ્ધરાજને કહ્યું કે આપણે અત્યારે આ પરપ્રાંતના વ્યાકરણ ૫૨ આધાર રાખીએ છીએ, પણ આપણું
પોતાનું વ્યાકરણ હોવું જોઈએ. સિદ્ધરાજની પ્રેરણા અને ઉત્તેજનથી હેમચંદ્રાચાર્યે
અજોડ ગ્રંથ પરિપૂર્ણ કર્યો. સિદ્ધરાજની પ્રેરણા અને હેમચંદ્રના પરિશ્રમથી
સર્જાયેલા આ ગ્રંથને ‘સિદ્ધહેમ’ એવું નામ અપાયું. સિદ્ધરાજે હાથી પર તે ગ્રંથ પધરાવીને પાટણમાં સવારી
કાઢી હતી. એ શોભાયાત્રામાં રાજા અને આચાર્ય બંને પગપાળા ફર્યા હતા.
જયસિંહ સિદ્ધરાજ અનેક રીતે મહાન હતો.
શરીરબળ અને હિંમતમાં તો તે અજોડ હતો. વહીવટી, વ્યવસ્થાશક્તિ અને લશ્કરી સિદ્ધિમાં પણ
એ પાવરધો હતો. રાજનીતિજ્ઞ તરીકે પણ એ અનન્ય હતો. એ ગાદીએ આવ્યો ત્યારે અણહિલવાડ
પાટણના એક નાનકડા રાજ્યનો એ રાજા હતો. તેમાંથી તેણે ગુર્જર દેશના ગૌરવને
પુનર્જીવિત કરીને આખું એક સામ્રાજ્ય ઊભું કરી દીધું. સિદ્ધરાજનું શરીરસૌષ્ઠવ
અદ્ભુત હતું. સિદ્ધપુરથી થોડે દૂર આવેલી એક આદિવાસી વસતિનો સરદાર બર્બરક આસપાસની
પ્રજાને ખૂબ ત્રાસ આપતો. સિદ્ધરાજે એના પર ચડાઈ કરી. બર્બરકે કરેલા આહ્વાનને
સ્વીકારી સિદ્ધરાજે તેની સાથે દ્વંદ્વયુદ્ધ કર્યું. સિદ્ધરાજના સ્નાયુબળ સામે
બર્બરક ટકી ન શક્યો અને જીવનભર સિદ્ધરાજનો દાસ બનીને અંગરક્ષક બની રહ્યો. બર્બરકના
જીતનાર તરીકે ઇતિહાસમાં સિદ્ધરાજ બર્બરકજિષ્ણુ તરીકે પણ ઓળખાયો.
સિદ્ધરાજે વિદ્યાવિસ્તારને અસામાન્ય
ઉત્તેજન આપ્યું હતું. જૈન અને બ્રાહ્મણ પરંપરાના વિદ્વાનોને એ પોષતો હતો.
અણહિલવાડ- પાટણમાં જૈન હેમચંદ્રાચાર્યના નેતૃત્વ નીચે વિદ્યાની ઉપાસના થતી હતી તેમ
ત્યાંના સોમનાથમાં અને અન્યત્ર બ્રાહ્મણ પરંપરાના અને તેમાં પણ સવિશેષ શૈવ પરંપરાના
વિદ્વાનોની પ્રવૃત્તિ ચાલતી હતી. ધારાના પતન પછી ત્યાંના પરમાર રાજાના રાજગુરુ ભાવ
બૃહસ્પતિને સિદ્ધરાજે ગુજરાતમાં આમંત્ર્યા હતા અને સોમનાથના આચાર્ય તરીકે સ્થાપ્યા
હતા. પોતે શિવભક્ત હોવા છતાં સિદ્ધરાજે સર્વધર્મોનો આદર કર્યો હતો. હેમચંદ્ર એક
ઠેકાણે નોંધે છે કે નગરના સર્વ આશ્રમોમાં છન્નુ સંપ્રદાયો આનંદથી સાથે રહેતા હતા.
વિવિધ દેવાલયોમાં વિવિધ દેવની પૂજાઅર્ચના થતી હતી. સિદ્ધરાજ માનવવિશેષ હતો -
મહામાનવ હતો. એના દરબારમાં આચાર્ય હેમચંદ્ર ઉપરાંત કવિ શ્રીપાળ, કવિ વાગ્ભટ્ટ, જયમંગલાચાર્ય
જેવા વિદ્વાનો હતા. તેના મંત્રીમંડળમાં પણ સમર્થ રાજનીતિજ્ઞો હતા. આમ છતાં એ
તેજસ્વી રત્નોમાં પણ સિદ્ધરાજ સૌનું નેતૃત્વ કરી શકે તેવો સર્વશ્રેષ્ઠ હતો. સત્તા
અને સૌજન્યનું એ પ્રભવસ્થાન બની રહ્યો હતો. ભવ્ય યોજનાઓ વિચારવાની અને તેને
વ્યવહારુ બનાવવાની તેનામાં યોજકશક્તિ હતી. એણે સોમનાથની પગપાળા યાત્રા કરી હતી, તેમજ પુષ્કળ દાન
આપ્યાં હતાં. પોતાની માતાનો તે પરમ આજ્ઞાંકિત પુત્ર હતો, પરંતુ ઈશ્વરે
એને પુત્રસુખથી વંચિત રાખ્યો હતો.
આજના ગુજરાત રાજ્યની સીમાઓને, તેના આકારને અને
‘ગુજરાત’ શબ્દને સિદ્ધરાજે આકાર આપ્યો અને શબ્દ પણ આપ્યો. ગુજરાત રાજ્યની રચનાના
લગભગ આરંભકાળે તેણે દાખવેલી દૂરંદેશી, આર્ષદષ્ટિ, વિદ્યાકલાપ્રીતિને
પરિણામે જ આજનું ગુજરાત ઊજળું છે. ગુજરાતના ઇતિહાસમાં તેનું સ્થાન અવિસ્મરણીય
રહેશે.